સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે આજે લોકસભામાં પાડોશી દેશ ચીનનો મુદ્દો ઉઠાવ્યો. દેશના પૂર્વ રક્ષા મંત્રીએ કહ્યું કે ભારતનો સૌથી મોટો દુશ્મન પાકિસ્તાન નહીં, ચીન છે. પાકિસ્તાન ભારતનું કશું બગાડી શકશે નહીં. તેમણે કહ્યું કે ચીન ભૂટાન પર કબ્જો જમાવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમના દ્વારા વારંવાર આ મુદ્દો ઉઠાવવા છતાં કેન્દ્ર સરકાર એ નથી જણાવતી કે ચીન વિરુદ્ધ ભારત કયા પગલાં ઉઠાવી રહ્યું છે? મુલાયમ સિંહ દ્વારા ચીનનો મુદ્દો ઉઠાવાયા બાદ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને તેમને અનેકવાર ભલામણ કરી કે તેઓ પોતાની રજુઆત જલ્દી પૂરી કરે. જો કે તેનાથી બેઅસર સમાજવાદી પાર્ટી નેતાએ પોતાની વાત પૂરી કરી અને ચીનથી સતર્ક રહેવાની સલાહ પણ આપી.
મુલાયમ સિંહે દાવો પણ કર્યો કે ચીન ભારત પર હુમલાની તૈયારીમાં છે. તેમનું કહેવું હતું કે ચીન તિબ્બતમાં પોતાની સેના તૈનાત કરી રહ્યું છે. મોદી સરકારને સવાલ કરતા તેમણે પૂછ્યું કે ચીન જ્યારે તૈયારીઓ કરી રહ્યું છે તો તેના જવાબમાં ભારતની શું તૈયારીઓ છે. ભારતની આર્મી, નેવી અને એરફોર્સની શું તૈયારીઓ છે. મુલાયમે એમ પણ કહ્યું કે ચીન ક્યારેય હિન્દુસ્તાનને માફ કરી શકશે નહીં. આ દેશ ભારત પર હુમલાની પૂરેપૂરી તૈયારીઓ કરી ચૂક્યો છે.
પૂર્વની સરકારની આલોચના કરતા તેમણે કહ્યું કે ભારતે તિબ્બત કોઈ પણ કિંમતે ચીનને આપવા જેવો નહતો. તિબ્બત દેશ ચીનને સોંપીને મોટી ભૂલ કરી નાખી છે. તેમણે કહ્યું કે ભારતે તિબ્બતની આઝાદીનું જોરશોરથી સમર્થન કરવું જોઈએ અને દલાઈ લામાની સંભવ દરેક મદદ કરવી જોઈએ. એસપી નેતાના જણાવ્યાં મુજબ ચીન હવે કાશ્મીરમાં પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. આ બાજુ તિબ્બતની સીમા ઉપર પણ યુદ્ધાભ્યાસમાં લાગ્યું છે.
સરહદ પર ચીનની વધતી દખલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભૂટાન અને સિક્કિમની રક્ષા કરવી એ ભારતની જવાબદારી છે. મુલાયમે ચીન દ્વારા ભારતીય બજારોમાં ડમ્પ કરાતા ઉતરતી ગુણવત્તાના સામાનનો પણ ઉલ્લેખ કર્યો. અત્રે જણાવવાનું કે ગત મહિને ભારતે ભૂટાનના ડોકલામ વિસ્તારમાં ચીનના સડક નિર્માણના કાર્યને રોક્યું હતું. ત્યારબાદ ચીને હોબાળો મચાવ્યો કે ભારતીય સેનાએ તેમની સરહદમાં ઘૂસણખોરી કરી.
જો કે ભારતનો પક્ષ એ હતો કે ડોકલામ ભૂટાનનો વિસ્તાર છે અને ચીનના સડક નિર્માણના કાર્યને રોકીને ભારત એક નાના દેશ ભૂટાનની મદદ કરી રહ્યું છે. ડોકલામમાં ચીનના સડક નિર્માણથી ભારતને પણ જોખમ છે. કારણ કે સડક બનાવવાથી યુદ્ધની પરિસ્થિતિમાં ચીની સેના માટે સિક્કિમ સાથે જોડાયેલી ભારત-ચીન સરહદ પર પહોંચવું ખુબ સરળ થઈ રહેશે. ભારતીય સેના ડોકલામમાં મક્કમ થઈને ડટી રહી છે. ચીન સતત ભારતને જવાનો પાછા બોલાવવા માટે કહી રહ્યું છે. એટલે સુધી કે યુદ્ધની પણ ધમકી આપી દીધી છે.